બાઇબલ જીવંત છે

બાઇબલ જીવંત છે

કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે.

હિબ. 4:12

બાઇબલ જીવંત છે

ગી.શા. 23: યહોવાહ મારા પાળક છે

1  
યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.

2  
તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.

3  
તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

4  
જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.

5  
તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે.

6  
નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.

Psalm 23 in Gujarati

Psalm 23 in English

જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું

જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું

તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, ‘તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.’” પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

માર્ક 10:21-22

ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.

માર્ક 8:34-35

જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી.

માથ. 10:38

હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.

ગલ. 2:20

ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

લૂક 9:23-25

‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’” આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.

લૂક 22:42-43

અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.

ગલ. 5:24

પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે? કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.

માથ. 16:24-27

કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.

રોમ. 8:18

જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.

યાકૂ. 1:12

હું માનવજગતનું અજવાળું છું

હું માનવજગતનું અજવાળું છું

ફરીથી ઈસુએ તેઓને કહ્યું, ‘હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.’”


યોહ. 8:12

અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે;મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે.


યશા. 9:2

યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે;હું કોનાથી બીહું?યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે;મને કોનો ભય લાગે?


ગી.શા. 27:1

કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.


2 કરિં. 4:6

અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.


રોમ. 8:10-11

કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો.


એફે. 5:8

પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


1 યોહ. 1:7-9

તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.


માથ. 5:14-16

તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.


યોહ. 1:5