ક્રિસમસ બાઇબલ વાક્યો

ક્રિસમસ બાઇબલ વાક્યો

હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.

મીખા. 5:2

તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.

યશા. 7:14

જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.”

માથ. 1:20-21

કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

યોહ. 3:16

કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.

યશા. 9:6

અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.

યોહ. 1:14

પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો, કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ.

ગલ. 4:4-5

સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે; કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે.

લૂક 2:10-11

પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, ‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’”

લૂક 2:13-14

તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા. ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું. હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

માથ. 2:9-12

CategoriesUncategorized